Saturday, 7 March 2015

‘સપનું ખોવાયું ઊંડી ખીણમાં ‘

પાડોશમાંથી જોરથી એક અવાજ આવ્યો અને આખા ઓરડાની દિવાલોમાં ફરી વળ્યો ને એકદમ આંખો  ખૂલી ગઈ. ચારે બાજુ નજર કરી તો સપના અને સત્યની ધાર પર આવીને ઊભું રહી જવાયું . ફરી એક વાર આંખો મીંચાઇ ફ્લેશબેકમાં જવા માટે ને એ અવાજની સાથે તૂટેલા  સપનાની થોડી ઘણી યાદો ફરી મન મસ્તિષ્કમાં ફરી વળી.
                              આવો સિનારિયો લગભગ બધાના જીવનમાં બન્યો જ હશે કે બનતો હશે ને બનતો જ રહેશે . શું છે આ ? સપનાથી હકિકત વચ્ચેની યાત્રા ? એ સપનું , સપનું જ રહે છે કે પછી તેને હકિકતનો સાથ મળશે સત્યમાં પલટવા માટે ? આ વ્યક્તિગત બાબત છે . person to person જુદું હોવાનું પરંતુ યાત્રાનો રસ્તો એક જ છે. જે આંખ બંધ થવાની સાથે જુદા જુદા પાત્રો સાથે તમારા મનોજગતમાં પ્રવેશ કરે છે, દિવસભરના તમારા જુદા જુદા સત્યને સાચવીને સપનામાં કણ કણ બનીને વેરે છે અને આ ભેગા થયેલા કણકણને  ફરી એક જુદા સત્યને જન્મ આપવા . આ એક અનંત પ્રક્રિયા છે જે ચાલતી રહે છેઃ દિવસ રાતની જેમ જ , અહિયાં દિવાસ્વપ્નોની વાતને બાકાત રાખવામાં આવી છે જે દિવસે ખુલ્લી આંખે જોવાતા હોય છે.
                                આ સપનાઓને પાંખો આવે છે ત્યારે ઊડીને ગગનની પાર પહોંચી જાય છે તો ક્યારેક સમુદ્રની સમૃદ્ધ સફરે પહોંચી જાય છે. એમાં ક્યાંય અવરોધ નથી હોતો કારણ કે ત્યારે તે સંસારજગતમાંથી મુક્ત થઈને પોતાના પારલૌકિક જગતમાં વિહરે છે. ક્યારેક આવા સપનાઓ સાચા પડે છે તો ક્યારેક કોઈક ઘટના જ્યારે ઘટે છે ત્યારે આપણને  લાગે છે કે ‘આવું પહેલા પણ આપણે અનુભવેલું ‘ આ અનુભવ એ બીજું કઈ જ નથી પરંતુ આપણી જાત સાથે ક્યારેક કરેલી વાત છે જે આપણે ભૂલી ગયા હોઈએ છીયે પરંતુ આપણું સુષુપ્ત મન આ ભૂલતું નથી. એ નાની નાની વાતો યાદ રાખે છે એને ક્યારે પૂરી કરવાની એ પણ યાદ રાખે છે. ઘણા લોકો પોતાના સપનાઓને recall કરી શકે છે એટ્લે કે ઉઠ્યા પછી પાછા તરત સૂઈ જઇને એ અધૂરા સપના સાથે reconnect થઈ શકે છે. સપનું કેટલી તીવ્રતાથી જોવાઈ રહ્યું હોય એની પર આધાર રાખે છે. સપના રંગીન હોવાની ખાતરી રાત્રે સૂતા વખતે કરી શકાય છે કારણ કે ‘જેવુ વિચારશો એવું સપનામાં વિહરશો’.
                                            પરંતુ એક વાત નક્કી છે કે આવા સપનાઓ પર રોક નથી લાગી શકતી. હા એ સપનું યાદ ન રહે તે અલગ બાબત છે. ખેર આવા સપનાઓનું આયુષ્ય રાત પૂરતું જ હોય છે તો ક્યારેક મનના અસિમ ખૂણે સચવાઇને પડ્યું રહે છે ક્યારેક આળસ મરડતું ઊભું થાય છે જો એને વિહરવાની તક મળે તો પાછું ફરે છે અથવા ક્યાંક ગોટમોટ થઈને પડ્યું રહે છે. સપનાને ક્યારેક આકાશ પ્રાપ્ત થાય છે તો ક્યારેક ઊંડી ખીણમાં ધકેલાય છે હવે આકાશમાં ઉડવામાં કે ઊંડી ખીણમાં જવાથી કેટલો ફાયદો કે નુકસાન થયું કે કેટલી મજા આવી કે ડર લાગ્યો એના પરથી જ આપણી આંતરિક શક્તિનું માપ મેળવી શકાય છે. સપનામાં  આવતી વ્યક્તિઓ તમારા સાથે સપનામાં જેવુ વર્તન કરતી હશે તેવી જ છાપ તમારા આંતરિક મનમાં સચવાઈ ને પડી હશે, પછી તમે તે છબીને આવકારો ને ન આવકારો. એટલે જ ઘણી વાર તમારી અંદરની વાતો જેને તમે સ્પર્શ કરવા ન માગતા હોય તેવી વાતો સાથે સપના તમને મુલાકાત કરાવે છે .  561669_520145031336420_1919299869_n
                          ઘણા શાસ્ત્રોના અર્થ નિચોવીને સપનાને હકિકત સાથે જોડવાના પ્રયત્નો કરે છે ..સપનામાં આ જોયુ તો આ ફાયદો કે આ નુકસાન પરંતુ આવા મેળ વગરના વિધાનોમાં ન પડીને આપણે જ આપણાં સમાધાન શોધવા રહ્યા. દિવસભરની ઘટનાઓનો ભાર રાત્રે સપના વહન કરે છે તો એ ભાર જેટલો હલકો રાખીશું એટલો સપનાઓનો ભાર ઓછો લાગશે ને રાત્રિની સુખરૂપ પસાર થશે.
Hemal Maulesh Dave
5/3/15
6.26 pm

No comments:

Post a Comment