Saturday, 7 March 2015

women's day

Women’s Day :
                                સ્ત્રીઓનો દિવસ ! મને થોડી નવાઈ પણ લાગે કે સ્ત્રીઓના જ  બધા દિવસો હોય છે ત્યારે આ  દિવસ ની ઉજવણી ? ખબર નહીં પણ આ દિવસ સાથે જાતને સાંકળતા સંકોચ થાય છે.
                              પરંતુ જાણીને આનંદ  થાય ચાલો આ બહાને નાસમજ લોકોની પણ સમજ સમાજમાં વધશે. સ્ત્રીઓ જે અને જેટલા રૂપને જીવે છે એ રીતે કોઈ જીવીને તો બતાવે !!! અને છતાય રહે ક્યાંક અળખામણી .બિચારી.અબળા .લાચાર ન જાણે કઇ કેટલાય વિશેષણ ??? પણ હવે જમાનાની તાસીર બદલાય રહી છે ..આક્રોશ હવે ક્યાય દબાઈને દમ નથી તોડી દેતો ..અગન ની જ્વાળા જો એને ભરખે તો બીજાને પણ દઝાડી શકવાનું સામર્થ્ય ધરાવે છે. સહન કરવાના તકાદા ગયા હવે તો સહન ન કરવું પડે એના ચુકાદા થાય છે. સ્ત્રીઓની હેરાનગતિ જો થાય તો હેરાન કરનારાઓને જેલગતિ પ્રાપ્ત થાય છે. સાસરિયાં અને પિયરિયાના છેદ પણ ઉડવા માંડે તેટલી પાંખો આવવાની બાકી જરૂર છે પણ એ વિચારને આંખો આવી છે અને એટ્લે જ પગભર થવાનું જોમ ઊઠ્યું છે કે કોઈ એને પગરખાભેર બહાર તો ન જ કાઢી શકે. મા બનવાનું અસિમ સુખ પ્રાપ્ત કરવાની ઊંમર બદલાઇ  છે પણ એના ધારાધોરણ બદલાયા નથી. હક કેમ મેળવી શકાય એનું જ્ઞાન મેળવવામાં પાછી પાની કરે એમાં કોઈ શક નથી.
                                   બની શકે હજુ પણ આ બદલાવ 20 ટકા 30 કે પછી 35 ટકા  જ હોય ??? પણ બદલાવ તો છે જ અને જો આ બદલાવના ફળનો ટેસ્ટ જો ફેલાતો જતો હોય તો નવાઈ પામવાની જરાય જરૂર નથી. બની શકે કે હજુ આ બદલાવ દૂર દૂર પહોંચ્યો ન હોય પણ આ પવનના પાવન પગલાઓ ત્યાં સુધી જરૂર પહોચશે. આશાવાદ અમર હોય છે અને આ સૃષ્ટિને ઉત્પન્ન  કરનારી સ્ત્રી જો આશાવાદને અડધા રસ્તે છોડશે તો નિરાશાવાદ તો હંમેશા તેની સાથોસાથ ચાલનારો છે  અને આવે વખતે જરૂર છે એક સુદ્રઢ સાથની ..ડગલે પગલે સહકાર આપનારા હાથની ..સ્ત્રી સમોવડી બનવા માગે છે પરંતુ કદાચ એની મૂળભૂત વ્યાખ્યા આજ છે ..હંમેશા પુરુષની પાછળ ચાલતી નારીનું દ્રશ્ય મને હંમેશ ખૂંચતું રહ્યું છે .. પાછળ ખેંચાતી... દોડતી ...ભાગતી નારી નહીં પણ કદમથી કદમ મિલાવીને ચાલનારી અને જરૂર લાગે ત્યાં હુંફભર્યા હાથનો સાથ જોઇયે છે..શરમના શેરડા તો સ્ત્રીઓનો જન્મસિદ્ધ અધિકાર છે પણ એ શરમની બેશરમીના ભ્રમમાં જીવવા નથી માગતી....! સમોવડાપણું માગે છે અને આ સમોવડનું સંમોહન એને હંમેશા જિંદગીનું પૂરું આખ્યાન લાગશે એમાં કોઈ શક નથી.
                                    
                                         સ્ત્રી સશક્તિકરણની વાતો કરવી સહેલી છે પરંતુ જ્યારે આપણાં પોતાના જ ઘરમાં એ એપ્લાય કરવાનું આવે ત્યારે અઘરું બની જતું મારી બેતાળાવાળી નજરે જોયેલું છે. પોતાના ગામમાં ,શહેરમાં ,રાજ્યમાં કે દેશ ને દુનિયામાં ગોકીરો કરવો સહેલો છે પણ ઘરમાંથી શરૂઆત કરવાનું કોને સૂઝે છે ? પ્રશ્ન અસ્થાને છે કે પ્રશ્નને અધ્યાર રાખવામા આવે છે. જ્યાં હજુ ‘સ્ત્રીનાં  જીવવાના અભરખા વધ્યા છે ‘ આવા નામી લેખક દ્વારા લેખ લખવામાં આવે છે ..જ્યાં હજુ પણ કુંવારી સ્ત્રી .વિવાહિત સ્ત્રી ને વિધવા સ્ત્રીઓના અંતિમ સંસ્કારમાં ભેદ પાડવામાં આવે છે ..જ્યાં હજુ પણ જુવાન દીકરી કે આધેડ સ્ત્રીને રાત્રે એકલા મોકલવામાં વિચાર આવે છે અથવા છોકરા – છોકરીના ભેદ પાડવામાં આવે છે .. જ્યાં હજુ પણ એકલી રહેતી સ્ત્રીને easily awaileble માનવામાં આવે છે અથવા લગ્ન ન કરવાનું વિચારતી સ્ત્રીને હજુ પણ કોઈનો સાથ જરૂરી છે એ સમજાવામાં આવે છે ......ભ્રૂણ હત્યાને ગુનો ન માનતા લોકો માટે ને આવા તાલિબાની વિચારો વચ્ચે જીવતા જીવતા બેટી બચાવો નાં નારા લગાવા પડે છે ..જ્યાં બળાત્કારીઓની સંખ્યા વધતી જોઈને એક  અપરણિત નવયુવાન 20 વર્ષ પછી જ્યારે પોતાની દીકરી આવશે ત્યારે શું થશે ? એ ભવિષ્યની ચિંતા અત્યારથી કરતો થઈ જાય છે. ......જ્યાં હજુ પણ બેરહમીથી બળાત્કાર દર 20 મીનિટે કરવામાં આવે છે ...જ્યાં  હજુ પણ બળાત્કારી છડેચોક કહે છે કે ‘ એ તાબે થઈ હોત તો આજે જીવતી હોત ‘ .....જ્યાં આવા બળાત્કારીને બચાવવા વકીલો ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપ્યા કરે છે ...ને કહે છે કે ‘તમારા હીરાને જો તમે બહાર શેરીમાં ફેંકશો તો કોઈ કૂતરો આવીને ઉપાડી જશે .!!!!‘

                   મોટું અટ્ટહાસ્ય આ વાંચતી વખતે કરવું ને પછી સાથે થોડી ગ્લાનિ ને દુખ ભેળવીને વાંચવું કે શું આ દેશમાં ખરેખર સ્ત્રીઓના દિવસની  ઉજવણી કરવા જેવી છે ? અથવા તો આવા દિવસોની ઉજવણી કરવાથી ફેર પડશે ખરા ?  વેલેંટાઈન ડે ની ઉજવણી બંધ કરવા ઘણા લોકો ઉમટી પડે છે એ લોકો આ ‘ડે ‘ ઉજવણીમાં કેમ દેખાતા નથી ? કે ક્યાંક અંદર ખૂણામાં એમનો ભયરૂપી  ચોર બેઠો હશે ..?
               ખેર આવા અગણિત સવાલોથી કલમને પણ થાક લાગે છે કે ટાઈપિંગ  કરતાં આંગળા વળ ખાય છે ..આ બધા સવાલો તો આંતરમનમાં જઈને રોજ પૂછવાના હોય છે ..બહેન દીકરીઓનું માન જાળવાવું સહેલું છે પણ ક્યારેય એમનું મન શું છે અથવા એમના વિચારો શું છે એમના જીવન પ્રત્યે તે જાણવાની જરૂર છે .....જ્યારે દરેક વ્યક્તિ આ સવાલના જવાબ શોધવાની જ્યારે ઘરથી શરૂઆત કરશે ત્યારે જ આ દિવસની સાચી ઓળખ અને પરખ થશે.
 .
       અંતર ક્યારી :    સ્ત્રી મા ..બહેન ..પત્ની ..પુત્રી ...વહુ ...મિત્ર ..ઘણા સ્વરૂપે જીવતી હોય છે અને આટલા  અઢળક સ્વરૂપો સાથે જીવતી વ્યક્તિઓના અભરખા તો અઢળક રહેવાના ને ? સ્ત્રીના એક માત્ર સ્વરૂપને સહજ સ્વીકારી લો બાકી રહેલા અભારખાઓ એ  જાતે પૂરા કરી લેશે.


8- 3-2014  

‘સપનું ખોવાયું ઊંડી ખીણમાં ‘

પાડોશમાંથી જોરથી એક અવાજ આવ્યો અને આખા ઓરડાની દિવાલોમાં ફરી વળ્યો ને એકદમ આંખો  ખૂલી ગઈ. ચારે બાજુ નજર કરી તો સપના અને સત્યની ધાર પર આવીને ઊભું રહી જવાયું . ફરી એક વાર આંખો મીંચાઇ ફ્લેશબેકમાં જવા માટે ને એ અવાજની સાથે તૂટેલા  સપનાની થોડી ઘણી યાદો ફરી મન મસ્તિષ્કમાં ફરી વળી.
                              આવો સિનારિયો લગભગ બધાના જીવનમાં બન્યો જ હશે કે બનતો હશે ને બનતો જ રહેશે . શું છે આ ? સપનાથી હકિકત વચ્ચેની યાત્રા ? એ સપનું , સપનું જ રહે છે કે પછી તેને હકિકતનો સાથ મળશે સત્યમાં પલટવા માટે ? આ વ્યક્તિગત બાબત છે . person to person જુદું હોવાનું પરંતુ યાત્રાનો રસ્તો એક જ છે. જે આંખ બંધ થવાની સાથે જુદા જુદા પાત્રો સાથે તમારા મનોજગતમાં પ્રવેશ કરે છે, દિવસભરના તમારા જુદા જુદા સત્યને સાચવીને સપનામાં કણ કણ બનીને વેરે છે અને આ ભેગા થયેલા કણકણને  ફરી એક જુદા સત્યને જન્મ આપવા . આ એક અનંત પ્રક્રિયા છે જે ચાલતી રહે છેઃ દિવસ રાતની જેમ જ , અહિયાં દિવાસ્વપ્નોની વાતને બાકાત રાખવામાં આવી છે જે દિવસે ખુલ્લી આંખે જોવાતા હોય છે.
                                આ સપનાઓને પાંખો આવે છે ત્યારે ઊડીને ગગનની પાર પહોંચી જાય છે તો ક્યારેક સમુદ્રની સમૃદ્ધ સફરે પહોંચી જાય છે. એમાં ક્યાંય અવરોધ નથી હોતો કારણ કે ત્યારે તે સંસારજગતમાંથી મુક્ત થઈને પોતાના પારલૌકિક જગતમાં વિહરે છે. ક્યારેક આવા સપનાઓ સાચા પડે છે તો ક્યારેક કોઈક ઘટના જ્યારે ઘટે છે ત્યારે આપણને  લાગે છે કે ‘આવું પહેલા પણ આપણે અનુભવેલું ‘ આ અનુભવ એ બીજું કઈ જ નથી પરંતુ આપણી જાત સાથે ક્યારેક કરેલી વાત છે જે આપણે ભૂલી ગયા હોઈએ છીયે પરંતુ આપણું સુષુપ્ત મન આ ભૂલતું નથી. એ નાની નાની વાતો યાદ રાખે છે એને ક્યારે પૂરી કરવાની એ પણ યાદ રાખે છે. ઘણા લોકો પોતાના સપનાઓને recall કરી શકે છે એટ્લે કે ઉઠ્યા પછી પાછા તરત સૂઈ જઇને એ અધૂરા સપના સાથે reconnect થઈ શકે છે. સપનું કેટલી તીવ્રતાથી જોવાઈ રહ્યું હોય એની પર આધાર રાખે છે. સપના રંગીન હોવાની ખાતરી રાત્રે સૂતા વખતે કરી શકાય છે કારણ કે ‘જેવુ વિચારશો એવું સપનામાં વિહરશો’.
                                            પરંતુ એક વાત નક્કી છે કે આવા સપનાઓ પર રોક નથી લાગી શકતી. હા એ સપનું યાદ ન રહે તે અલગ બાબત છે. ખેર આવા સપનાઓનું આયુષ્ય રાત પૂરતું જ હોય છે તો ક્યારેક મનના અસિમ ખૂણે સચવાઇને પડ્યું રહે છે ક્યારેક આળસ મરડતું ઊભું થાય છે જો એને વિહરવાની તક મળે તો પાછું ફરે છે અથવા ક્યાંક ગોટમોટ થઈને પડ્યું રહે છે. સપનાને ક્યારેક આકાશ પ્રાપ્ત થાય છે તો ક્યારેક ઊંડી ખીણમાં ધકેલાય છે હવે આકાશમાં ઉડવામાં કે ઊંડી ખીણમાં જવાથી કેટલો ફાયદો કે નુકસાન થયું કે કેટલી મજા આવી કે ડર લાગ્યો એના પરથી જ આપણી આંતરિક શક્તિનું માપ મેળવી શકાય છે. સપનામાં  આવતી વ્યક્તિઓ તમારા સાથે સપનામાં જેવુ વર્તન કરતી હશે તેવી જ છાપ તમારા આંતરિક મનમાં સચવાઈ ને પડી હશે, પછી તમે તે છબીને આવકારો ને ન આવકારો. એટલે જ ઘણી વાર તમારી અંદરની વાતો જેને તમે સ્પર્શ કરવા ન માગતા હોય તેવી વાતો સાથે સપના તમને મુલાકાત કરાવે છે .  561669_520145031336420_1919299869_n
                          ઘણા શાસ્ત્રોના અર્થ નિચોવીને સપનાને હકિકત સાથે જોડવાના પ્રયત્નો કરે છે ..સપનામાં આ જોયુ તો આ ફાયદો કે આ નુકસાન પરંતુ આવા મેળ વગરના વિધાનોમાં ન પડીને આપણે જ આપણાં સમાધાન શોધવા રહ્યા. દિવસભરની ઘટનાઓનો ભાર રાત્રે સપના વહન કરે છે તો એ ભાર જેટલો હલકો રાખીશું એટલો સપનાઓનો ભાર ઓછો લાગશે ને રાત્રિની સુખરૂપ પસાર થશે.
Hemal Maulesh Dave
5/3/15
6.26 pm

Monday, 1 December 2014

'સંગીત '

પેલા ખૂણામાંથી 
એ  ટપટપ કરતી બહાર આવી
લાંબી લાઈન બનાવી દોડતી ભાગતી જતી હતી ......
પાસે જઈને જોયું તો બાપ રે લાલ હતી ..કાળી નહિ
સન સન કરતી તોપના ગોળાની જેમ નીકળતી હતી
થયું આ ન ચાલે હો ..!!
બાઈને રાડ પાડી પેલો સ્પ્રે પંપ લાવ તો ..!
એ લાવી ...પ્લાસ્ટીકનું આવરણ ખચ ખચ કરીને હટાવ્યું
એના ઉદ્દભવ સ્થાન નજીક બેઠી..
એ જ ડામવું પડે ને ..??
બેતાળાવાળી નજરે જોયું ..એક બીજાને કંઈક કહેતી ..બિન્દાસ ભાગતી હતી
મારો ડર નહિ કોઈનો ય નહોતો ..અરે પેલા સ્પ્રે પંપનો પણ નહિ
એ ડેરિંગ મને સ્પર્શી ગયું ..!!!
હું ત્યાંથી ઉભી થઇ ગઈ
છો ને રહી .....
ને ક્યાંય સુધી તાલને જોતી રહી ..માણતી રહી

કીડીબાઈનું લયબદ્ધ સંગીત . 

Monday, 10 November 2014

'પિતા'

             પિતા એક એવો શબ્દ કે જે મોઢે આવતા જ એક પ્રકારની હાશની ભાવના થાય છે. એક સધિયારો મળે છે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવશે આ પિતા નામનો પુરુષ આપણું રક્ષણ કરવા હમેંશા તૈયાર જ હશે.
              શ્રી રામ નારાયણ પાઠકે પિતાની સરસ વ્યાખ્યા કરી છે તેમના પ્રસિદ્ધ ગીતમાં ...તેઓ પરથમ પરમાણ  એટ્લે કે પ્રથમ પ્રણામ તેની માતાને કરે છે કે જેને માટીમાંથી રતન બનાવ્યો ને બીજા પ્રણામ તેમના પિતાને કરે છે .તેઓની વ્યાખ્યા મુજબ  પિતા એટ્લે કે જેણે ઘરની બહાર આણી મને શેરી બતાવી તે “
                    માતા જગતમાં લાવે છે અને પિતા આ જગત શું તેનો ખ્યાલ કરાવે છે.પિતાની વાત નીકળે એટ્લે તરત જ પિતા-પુત્રીના પ્રેમની વાતો નીકળે . નરસિંહ મહેતા જેવો વૈરાગી પિતા કુંવરબાઈ વગર અધૂરો છે.પંડિત નહેરુ જેવા પિતા ઇન્દિરા વિના અધૂરા છે. શંકુતલાના પ્રેમમાં  કણ્વ  જેવા પ્રખર ઋષિ પણ આખરે તો પિતા બનીને જ રહે છે.  પિતાને પુત્રી પર પ્રેમ કદાચ એટ્લે વધારે હોય શકે કે પુરુષમાં ગમે તેટલી પ્રબળ લાગણી હોવાની ,ગમે તેટલો પ્રેમાળ હોવાનો પણ એ માતૃત્વ પામવાનો વિશેષ અધિકાર ચૂકી જાય છે કારણ કે એ પુરુષ છે. ને કદાચ પોતાની આ ખોટને પુરાવા એ દીકરીને વિશેષ વહાલ કરતો હોય એવું બની શકે. દરેક પુરુષ અંતે તો બાળકમાંથી પરિવર્તિત થયેલો હોય છે ને તેમને મન માં  શબ્દ સાથે તેમની નાનપણની સ્મૃતિઓ આખર સુધી જળવાયેલી જ રહે છે ને કદાચ પોતાની માં ની છબી એને દીકરીમાં દેખાતી હોય શકે.
                    પ્રત્યેક પુરુષમાં થોડું ક સ્ત્રીત્વ ને પ્રત્યેક સ્ત્રીમાં થોડું પુરુષત્વ રહેલું હોય છે. અને પુરુષમાં રહેલા આ થોડાક સ્ત્રીત્વને દીકરી વિસ્તારે  છે. તેનામાં ઝાકળ જેવી ભીનાશ છંટકોરી દે છે.
                   આમ જોઇયે તો પિતા એટ્લે “ડર” ઉત્પન્ન કરનાર વ્યક્તિ. ઘરમાં પણ કઇંક થાય એટ્લે મમ્મીનો પહેલો સ્વર એ જ નીકળે કે “પપ્પાને નહીં ગમે , પપ્પાને કહી દઇશ” ને કઇંક પૂછવાની વાત આવે એટ્લે સીધું પપ્પા પર જ આ પૂછી લેવાનો કળશ ઢોળાય. જાણે અજાણે બાળકોના મનમાં પપ્પાની એક એવી છબી બંધાય જેમાં ડર, ભય, માન બધુ જ  સામિલ હોય છે. ને એવી ગ્રંથિ બંધાય છે કે પિતાની અનુમતિ વગર ડગલું પણ ભરી નહીં શકાય. આમાં ક્યારેક પપ્પાની હા પાડે ..ક્યારેક ના પાડે. ને હા પડાવવા પાછળ પણ એટલું માનસિક દબાણ હોય કેટકેટલી કથાઓ ઊભી કરાય હોય ..મૂડ પારખીને વાત થઈ હોય ..તેમના ફ્રી ટાઈમની રાહ જોવાઇ હોય..એટલી આવી “હા” પડે એળે હાશકારો થતો હોય પણ એ “ હા “ નો આનંદ ન હોય ને “ ના “ પડે તો વાત જ શું કરવી..!!

              આમ જાણે અજાણે બંધાતી જતી આ નકારાત્મક ગ્રંથિ આગળ જતાં બહુ મોટું સ્વરૂપ ધારણ કરે છે. ગભરુ સંતાન હોય તો એનો વિકાસ આવી ભય ગ્રંથિ સાથે થયા કરે છે.
             ને કદાચ એટ્લે જ પિતા પુત્રની વાતો ખૂબ ઓછી થઈ છે કારણ કે આવી બધી વાતો પિતા ને પુત્ર વચ્ચે કાયમી રહે છે, દીકરીને તો અંતે સાસરે જ જવાનું હોય છે.
            ફાધર્સ ડે તો સંતાનમાં કોઈ ભેદ પાડતો નથી. આપણાં ભારતીય સમાજમાં આવા કોઈ ડે ની જરૂર નથી છતાં ય આવા ડેઝ  ઉજવવા પાછળ સંબંધોની લાગણીઓ જોડાયેલી હોય તો ઉજવવામાં વાંધો પણ શું હોય શકે ..!!!
            ફક્ત પિતા પુત્રીના પ્રેમને સીમિત ન રાખતા આજે કેટલાક એવા પિતા –પુત્રની પણ વાતો ..રાજા દશરથને ચાર પુત્ર ને એક પુત્રી હતા .પુત્ર વિયોગમાં પ્રાણ ખોનારા કદાચ તે પહેલા વ્યક્તિ હશે. ને શ્રવણની કથાથી કોણ અજાણ  હશે !!! પિતૃભક્તિની આવી અનેક ગાથાઓ આપણાં પુરાણોમાં સચવાઇને પડી છે ને એવું આપણી ફિલ્મી દુનિયાની પણ છે.પિતા પુત્રની ભાવના ને દર્શાવતી ઘણી બધી ફિલ્મો આવી છે ને આ બધી જ ફિલ્મોમાં ખૂબ સરસ સંવેદન પકડાયું છે.

            પિતા-પુત્ર ભલે પિતા-પુત્રીની જેમ નજીક ન હોય પણ એક અદ્રશ્ય સેતુ બંન્નેને કોઈ મૂક લાગણીથી જોડી રાખે છે. તેમની વચ્ચે શબ્દો જરૂરથી ઓછા બોલતા હશે પણ સંવેદન ભારોભાર હશે.  પિતાની આંગળી પકડીને બહારની દુનિયા જોવા નીકળેલો બાળક પિતાની નજરે જ દુનિયાને ઓળખતો થાય છે. પિતાને પગલે જ ચાલનારો થાય છે. ડગુમગુ ચાલતા પગલાંમાંથી મક્કમ પગલાં સુધીની યાત્રામાં પિતા જ પુત્રનો હમસફર બનીને રહે છે. 

અસ્તુ 
hemal dave

Bhitar

Pyar